IB school


ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલોનું આગમન

આજે વૈશ્વિકરણના કારણે લોકો આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે. તેમની ભારતથી બદલી ઓસ્ટ્રેલિયા કે અમેરિકા થઈ જાય તો સાવ જુદા અભ્યાસક્રમના કારણે તેમનાં બાળકોનો અભ્યાસ રખડી ન પડે તે માટે એક આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઘડીને બધા દેશમાં આ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલુ કરવામાં આવી. તેને ‘ઇન્ટરનેશનલ બેચલરેટ’ સ્કૂલ એવું નામ આપવામાં આવ્યું છે. કેવો છે આ અભ્યાસક્રમ અને તેની શું સ્થિતિ છે તેની માહિતી મેળવીએ...


ખૂબ જૂની કહેવત છે કે સમય અને સંજોગો મુજબ બધું બદલાતું હોય છે. ચાર્લ્સ ડાર્વિનની ઉત્ક્રાંતિની થિયરી પણ કહે છે કે આસપાસના સંજોગો અને વાતાવરણ મુજબ પ્રાણીઓનાં અંગઉપાંગ અને શરીરનાં રંગરૂપ બદલાતાં રહે છે. હવે વૈશ્વિકરણનાં કારણે શિક્ષણનાં રંગરૂપ બદલાવા લાગ્યાં છે.
એક સમયે લોકો નોકરી માટે બીજા શહેરમાં બદલી થાય તો અકળાઈ જતા હતા. હવે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરી કરનાર લોકોએ શહેર જ નહીં, દેશ પણ બદલવો પડે છે. તેમની નોકરી તેમને આજે એક દેશમાં તો કાલે બીજા દેશમાં લઈ જાય છે. એવા સંજોગોમાં તેમનાં બાળકો આજે ભારતીય અભ્યાસક્રમ મુજબ ભણતા હોય અને કાલે હોંગકોંગ કે અમેરિકાની શાળામાં ભણવાનું આવે છે.
આમ બને તો અભ્યાસક્રમ ન બદલાય અને બાળકોનું ભણતર સરળતાથી ચાલુ રહે તે માટે આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ધરાવતી સ્કૂલ ચેઇન ચાલુ કરવામાં આવી. આપણા માટે હજી આ નવી વાત છે, પરંતુ સ્વિત્ઝરલેન્ડમાં તેની શરૂઆત ૧૯૬૮થી કરવામાં આવી હતી. તેનો લાભ શાહ પરિવારને મળ્યો તો તેઓ ખૂબ આનંદ પામ્યા હતા.
શાહ પરિવાર બિઝનેસ માટે વર્ષોથી સિંગાપોર વસ્યા હતા. તેમનાં બાળકો અહીં જ જન્મ્યાં હતાં અને અહીં જ ભણતાં હતાં, થોડા વખત અગાઉ તેમણે ભારત આવી વસવાનું થયું. તેમને વતન પાછા આવવાનો આનંદ હતો, પરંતુ અહીં આવ્યા પછી તેમને નવી સમસ્યાઓ પજવવા લાગી અને ધીમેધીમે વિકરાળ બનવા લાગી.
શાહ પરિવાર માટે સૌથી મોટી સમસ્યા તેમની પુત્રીના અભ્યાસની હતી. તેઓ ભારત આવી ગયા અને પોતાના વતન ગુજરાતમાં વસ્યા. જોકે ગુજરાત કાયમી રહી શકાશે તેની કોઈ ગેરન્ટી ન હતી. મુશ્કેલી એ ઊભી થઈ કે તેમની પુત્રી સિંગાપોરના અભ્યાસક્રમ મુજબ ભણતી હતી.
ભારતમાં અને ગુજરાતમાં એનો અભ્યાસક્રમ બદલવાની તેમની તૈયારી નહોતી. પરિણામે તેમણે થોડી શોધખોળ કરી તો તેમને આઈબી સ્કૂલનો પત્તો મળી ગયો. આઈબી એટલે કે
ઇન્ટરનેશનલ બેચલરેટ મુજબનો અભ્યાસક્રમ ભણાવતી આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્કૂલ. શાહ પરિવારને આનંદ થયો કે ચાલો, ભારતમાં પણ તેમની પુત્રી આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવશે. આ પ્રકારનો અભ્યાસક્રમ ચલાવતી સ્કૂલો કુલ ૧૪૧ દેશોમાં છે.
આવી શાળાઓમાં એવાં બાળકો જ એડમિશન લે છે જેમના વાલીઓ દેશદેશ ભમતાં હોય. મોટેભાગે આવા વાલીઓ ગર્ભશ્રીમંત હોય છે. એટલે તેમને પોતાનાં બાળકને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું હોય તો ગમે તેટલી ફી મોંઘી લાગતી નથી. આઈબી સ્કૂલોની ફી ભારતના સામાન્ય વાલીઓને અધધધ... થઈ જવાય એટલી હોય છે.
આઈબી સ્કૂલોમાં ભણતાં બાળકોની અને તેમના વાલીઓની ભાળ મેળવતાં જાણવા મળ્યું કે એવા ઘણા વાલી છે જેમને આઈબી સ્કૂલનો સાચો અર્થ પણ ખબર નથી. તેઓ મોંઘી ફીનાં કારણે શ્રેષ્ઠ શિક્ષણ જ મળશે એવી અપેક્ષાએ પોતાનાં બાળકોને આ સ્કૂલોમાં ભણાવે છે. આ વાલીઓ પાસે ‘ઇઝી મની’ કહેવાતી આવક છે અને ઝડપથી તેઓ શ્રીમંત બની ગયા છે. તેમને પોતાનું બાળક અધવચ્ચે અન્ય દેશમાં ભણવા બેસાડવું પડશે એવી કોઈ સમસ્યા નથી.
આઈબી સ્કૂલોમાં અમેરિકા, યુરોપ, સિંગાપોર, જાપાન કે રશિયામાં ચાલતા અંગ્રેજી અભ્યાસક્રમ ભણાવવામાં આવે છે. તેનો બેઝ સ્વિત્ઝરલેન્ડના અભ્યાસક્રમનો છે. કારણ કે આ પ્રકારની સ્કૂલોની શરૂઆત અહીંથી કરવામાં આવી હતી. આ અભ્યાસક્રમમાં ભણતર તો એ જ રહે છે, પરંતુ ભણાવવાની રીત સાવ જુદી હોય છે.
આપણી શાળાઓ એક વત્તા એક ભણાવવા માટે બોર્ડ પર એકડો લખી વત્તાની નિશાની કરી બીજો એકડો લખે અને બરાબરની નિશાની કરીને બગડો લખે છે. આઈબી સ્કૂલમાં બાળકને એક ચોકલેટ આપીને પછી બીજી ચોકલેટ આપીને કહેવામાં આવે છે કે, ‘હવે કહો, તમારી પાસે કેટલી ચોકલેટ થઈ?’ વિદ્યાર્થી એ રીતે ભણે છે કે એક હોય અને બીજું એક આવે તો એક વત્તા એક કહેવાય.
વિશ્વમાં ૧૪૧ દેશોમાં આ પ્રકારની કુલ ૩,૩૨૩ સ્કૂલો ચાલે છે. તેમાં સૌથી વધુ ૧,૩૦૭ સ્કૂલો અમેરિકામાં છેે અને ભારતમાં ૮૬ સ્કૂલો છે. તેમાંથી ૭ સ્કૂલો ગુજરાતમાં છે. ગુજરાતની આઈબી સ્કૂલના વાલીઓમાં  અસંતોષ જોવા મળે છે કે તેમનાં બાળકને ખરેખર આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મળતું નથી. અભ્યાસક્રમ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે, પરંતુ શિક્ષકો એ કક્ષાના નથી.
‘અભિયાને’ ૧૦ જેટલા વાલી અને ૫ શિક્ષકોની મુલાકાત લીધી. તો તેઓ, શિક્ષકો પોતાની નોકરીની ચિંતામાં અને વાલીઓ પોતાનાં બાળક માટે સ્કૂલને અણગમો થઈ જવાની બીકે સાચી વાત કહેતાં અચકાતા હતા. જેમણે માહિતી આપી તેમણે આગ્રહ કર્યો કે તેમનાં નામ કોઈપણ સંજોગોમાં પ્રગટ ન કરવાં. જોકે એમની પાસેથી અનેક ચોંકાવનારી વિગતો જાણવા મળી.
જેમાં નામ ના આપવાની શરતે શિક્ષકોનું કહેવું એમ છે કે, ‘પગારધોરણ વૈશ્વિક લેવલનું નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’. વાત તો સાચી કે જો મહેનતના પ્રમાણમાં મહેનતાણું ના મળે તો કોઈપણ વ્યક્તિ નોકરી બદલે જ.
આવા વાલીઓની મુખ્ય ફરિયાદો હતી કે આઈબી સ્કૂલોમાં જે આંતરરાષ્ટ્રીય ધોરણો હોવા જોઈએ તે મુજબનું શિક્ષણ આપી શકે એવા શિક્ષકો નથી. જે શિક્ષકો છે તે કાયમી નથી હોતા. વારંવાર શિક્ષકો નોકરી છોડી જાય છે અને નવા શિક્ષકો નોકરીએ આવતા રહે છે. આ શિક્ષકોને તે ધોરણમાં ભણાવવાની લાયકાત તો હોય છે, પરંતુ આઈબીનાં ધોરણો મુજબ ભણાવવાની તાલીમ નથી હોતી. આઈબી સ્કૂલનો કન્સેપ્ટ એવો છે કે બાળકોને દરેક બાબતમાં સક્રિય રીતે ભાગીદાર બનાવી તેના મનમાં કુતૂુહલ જન્માવવું. તેનામાં ક્યુરિયોસિટી જન્મે તેે પછી ટીચરો તેમને જવાબ સમજાવેે. મનોવિજ્ઞાન કહે છે કે આ રીતે જવાબો સમજાવવાથી બાળકોને તે કાયમ માટે યાદ રહી જાય છે, પણ અહીંની આઈબી સ્કૂલોના મોટાભાગના ટીચર્સ પોતે એટલા કાબેલ નથી.
નામ ન આપવાની શરતે એક વાલીએ વિગત આપી કે તેમનો દીકરો પહેલા ધોરણમાં છે. પછી કહ્યું, ‘દરેક સ્કૂલની જેમ જ અહીંના શિક્ષકોનું એજ્યુકેશન છે. જુનિયર કેજીસિનિયર કેજીના શિક્ષકો પાસે તેમના એકેડમિક ગ્રેજ્યુએશનની સાથે બાળમાનસને સમજી શકે તેવો કોઈ વિશિષ્ટ કોર્સ હોવો જોઈએ, પરંતુ આઈબી સ્કૂલોના મોટાભાગના શિક્ષકો પાસે એવી લાયકાત જોવા મળતી નથી.
હું શિક્ષકોનાં નામ નહીં આપું. મારે કોઈની સામે અણગમો નથી. એ લોકોનો આમાં શો વાંક. સ્કૂલે એમને નોકરી આપી છે અને ફરજ સોંપી છે એટલે તેઓ ભણાવે છે. આઈબી સ્કૂલો પણ સામાન્ય સ્કૂલોની જેમ ૧થી ૪ ધોરણ માટે બી.એડ્. સુધીનું ભણતર અને ૫થી ૭ના શિક્ષકો માટે એમ.એડ્. થયેલા શિક્ષકો પસંદ કરે છે. ૮થી ૧૦માં શિક્ષણ આપવા માટે તો ધોરણ નક્કી હોય તેમ લાગતું જ નથી. મારા હિસાબે તો આઈબી સ્કૂલો માટે ટીચરના ભણતર કરતાં તેમની બાળમાનસની તાલીમ વધુ અગત્યની છે.’
શાળા સંચાલકોને જ્યારે આ ફરિયાદ પહોંચાડી તો તેમણે જવાબ આપ્યો કે, ‘અમે જરૂરી યોગ્યતા ચકાસીને જ શિક્ષકો પસંદ કરીએ છીએ. શિક્ષકોને એપોઇન્ટ કર્યા પછી તેમને જરૂરી તાલીમ અને કેળવણી પણ આપવામાં આવે છે. બાકી અભ્યાસક્રમનાં ધોરણો સમગ્ર વિશ્વમાં સરખાં જ છે. જેમ કે આપણે ત્યાં પાંચમા ધોરણમાં અવયવોનું શિક્ષણ આપવામાં આવે છે. તો દુનિયામાં દરેક દેશમાં પાંચમા ધોરણના અભ્યાસક્રમમાં અવયવો જરૂર સામેલ હશે. પ્રશ્ન માત્ર શિક્ષણ આપવાની રીતનો છે. જે તે દેશની રીત જુદી હોઈ શકે. શિક્ષકોએ દરેક પાઠ ભણાવવા માટે આ જુદી રીત જ શીખવાની હોય છે. તે માટે અમે વિશેષ તાલીમ આપીએ જ છીએ.’
‘અભિયાને’ આ અંગે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ ડો. તરુલતાબહેનની મુલાકાત લીધી તો તેમણે કહ્યું, ‘હવે ભારતે પણ ગ્લોબલાઇઝેશન અપનાવ્યું છે, એટલે આ સ્કૂલો ભારતમાં આવકાર્ય છે. હા, અમારે આ અંગે પેરેન્ટ્સને થોડા કન્વિન્સ કરવા પડે છે. અમે ધોરણ ૧થી ૭માં આઈબીનું સિલેબસ ભણાવીએ છીએ. ૮થી ૧૦ ધોરણમાંં કેમ્બ્રિજનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ. ત્યાર પછી ધોરણ ૧૧, ૧૨માં ફરી આઈબીનો અભ્યાસક્રમ ભણાવીએ છીએ.
આમ જોવા જાઓ તો દુનિયાના કોઈપણ ખૂણે બાળકો માટેના અભ્યાસક્રમ લગભગ સમકક્ષ જ છે. ફરક માત્ર પદ્ધતિનો છે. અમારી શાળાઓમાં ટીચરોને પણ નવા અભ્યાસક્રમની ખાસ તાલીમ આપવી પડે છે. અહીંના જે શિક્ષકો છે તેઓ ટ્રેડિશનલ (પરંપરાગત) રીતે ભણીને ડિગ્રી મેળવીને આવ્યા છે. તેમને આઈબીની રીત મુજબ નવી તરાહથી ભણાવવાની તાલીમ આપવી જરૂરી હોય છે. આપણે ત્યાં આઈબી સ્કૂલો ચાલુ રાખવા માટે પાયાની જરૂરિયાત ટ્રેઇન્ડ ટીચર્સ અને માનસિક રીતે તૈયાર પેરેન્ટ્સની છે.’
આઈબી સ્કૂલમાં પોતાનાં સંતાનને તાલીમ આપનાર એક વાલી કૃપા શાહે ‘અભિયાન’ને કહ્યું, ‘અમે જ્યારે સિંગાપોરથી અહીં શિફ્ટ કયર્ંુ ત્યારે મને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે સ્નેહાનું ભણતર મારા માટે માથાનો દુખાવો બનશે. અહીં આવીને તેને આઈબી સ્કૂલમાં મૂકી એટલે નિરાંત થઈ કે ચાલો, તેનું ભણતર આંતરરાષ્ટ્રીય ધોરણો પ્રમાણે થવા લાગ્યું.
પરંતુ થોડા જ સમયમાં મોકાણ ચાલુ થઈ. સ્નેહાએ ફરિયાદ કરી કે તેના ટીચર્સ જે સમજાવે છે તે સમજાતું જ નથી. અમે તેની સ્કૂલમાં જે ટીચરો છે તેમની મુલાકાત લઈ આ વિષે આડકતરી રીતે ચર્ચા કરી જોઈ. તો ખ્યાલ આવ્યો કે ખરેખર તેમને જ ટ્રેનિંગની જરૂર હતી. તેઓ ઇન્ટરનેશનલ ધોરણો પ્રમાણે શિક્ષણ આપવાનું જાણતા જ નથી.
જો સ્કૂલના શિક્ષકો શિક્ષણની રીત ન જાણતા હોય તો તેને ટ્યૂશન આપનાર ક્યાંથી શોધવો? વળી કોઈ કારણસર વારંવાર સ્કૂલના ટીચર બદલાઈ જતા હતા. આવી ઘણી હેરાનગતિ અમને નડતી. સ્નેહાની સ્કૂલમાં ફી આખા ગામ કરતાં વધારે હતી. તેની સામેે ભણતરના સ્ટાન્ડર્ડની વાત કરીએ તો સાવ મીંડું.’
કૃપાબહેનની એક વાત તદ્દન સાચી હતી. આઈબી સ્કૂલોની ફી બીજી સ્કૂલો કરતાં ખૂબ વધારે છે અને હોય તે સમજી શકાય તેવી વાત છે. આવી સ્કૂલનો આખા વર્ષનો ખર્ચ ગણીએ તો રૂપિયા એકથી દોઢ લાખ જેટલો થાય છે. તેમની ફરિયાદ પણ સાચી ગણવી પડે. આટલો ખર્ચ કર્યા પછી તેમનું સંતાન અન્ય બાળકો કરતાં નબળું જણાય તો ફરિયાદનું કારણ જ ગણાય.
આ બહેનની બીજી ફરિયાદ એ હતી કે આઈબી સ્કૂલની ભણાવવાની પદ્ધતિ પ્રોજેક્ટ આધારિત છે. દરેક પાઠ માટે પ્રોજેક્ટ કરવાનો હોવાથી તેની સામગ્રી લાવવી પડે. એ ખૂબ મોંઘું પડે છે. પ્રોજેક્ટનું મટીરિયલ બધી જગ્યાએ મળતું નથી, એટલે મોટાભાગના વાલીઓ પરેશાન થઈ જાય છે.
તેમણે સ્વીકાર્યું કે પ્રોજેક્ટનાં કારણે તેમની પુત્રી દરેક વાત એટલી પાકા પાયે સમજી જતી હતી કે શીખ્યા પછી તે ક્યારેય ભૂલતી નથી, પણ કુલ શિક્ષણનો સરવાળો કરીએ તો તેમનો અભ્યાસ બીજા સામાન્ય વિદ્યાર્થીઓની સરખામણીમાં ઓછો પડે છે. એટલે જ મારાં જેવાં માબાપને પોતાનાં સંતાનો પાછળ શ્રેષ્ઠ નાણાં ખર્ચવા છતાં પરિણામ ન મળતું હોવાનો વસવસો રહે છે.
હાલ જેમનાં બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે તેમાંના ઘણા ખરા વાલીઓનું કહેવું છે કે લાખ રૂપિયા ખર્ચતાય અમારાં સંતાનોને લાખ સુધીની ગણતરી નથી આવડતી. એ જ અમારા માટે માથાનો દુખાવો છે. ઘણાં વાલીએ તો આ કારણસર પોતાનાં બાળકોને બીજી સ્કૂલમાં ટ્રાન્સફર કરી દીધાં છે.
આઈબી સ્કૂલમાં સંતાનને શિક્ષણ અપાવનાર અન્ય એક વાલી અવની પરીખ કહે છે, ‘મારાં બંને બાળકો મહાત્મા ગાંધી આઈબી સ્કૂલમાં છે. બંનેને કંઈ ખાસ તકલીફ નથી પડતી. અભ્યાસમાં થોડીક કચાશ લાગે તો અમે કવર કરાવી દઈએ છીએ. મને આ સ્કૂલ ગમે છે, તેની પાછળનું કારણ એ છે કે તમારું બાળક જે પણ કંઈ શીખશે તે તેને આજીવન યાદ રહેશે. બીજંુ કે કોઈ સ્પેશ્યલ વિષયમાં અગર બાળક કાચું હોય અથવા ખૂબ હોશિયાર હોય તો ટીચર્સ તરત જ આપણને જાણ કરે છે. જેથી આપણે તેના કાચા વિષય પર ધ્યાન આપી શકીએ અને જે વિષય પાકો છે તેના પર ફોકસ કરીને તેને આગળ કરિયરમાં મદદરૂપ થઈ શકે.’
અન્ય એક વાલી પિન્કીબહેન પટેલ કહે છે, ‘પણ આ શિક્ષણપદ્ધતિ સમજવી અઘરી છે. તેમના પ્રોજેક્ટમાં મદદ કરવી તેને ગાઇડન્સ આપીને ખરા અર્થમાં ભવિષ્ય ઘડતર કરવા માટે વાલીઓએ પણ એક લેવલની સમજ અને નોલેજ કેળવવાં પડે. અમે આ પદ્ધતિથી ખુશ છીએ. હા, જો પેરેન્ટ્સ પાસે સમય ન હોય તો ટ્યૂશન ટીચર્સ મળવા અઘરા છે અને ગુજરાતી મીડિયમમાં ભણેલા અથવા ઓછું ભણેલા વાલીને આગળ જતાં બાળકને મદદ કરવામાં તકલીફ થઈ શકે છે.’
બાળકો આવતી કાલનું ભવિષ્ય છે, આ ભવિષ્યનો પાયો મજબૂત હોવો જરૂરી છે, પણ માત્ર શોખ ખાતર, દેખાદેખીમાં અથવા તો વિશ્વ લેવલની સ્કૂલ સારી જ હોય તેવી માન્યતા ક્યારેક માબાપને ભારે પડે છે. આઈબી સ્કૂલમાં દાખલ થનાર ઘણાં બાળકોને ફરી ગુજરાતીમાં અથવા સેન્ટ્રલ લેવલનો અભ્યાસક્રમ હોય તેવી સ્કૂલમાં ટ્રાન્સફર કરવા પડે છે.
વાલીઓની વાત સાંભળ્યા પછી શિક્ષકોની મુલાકાત લેતાં તેઓ કહે છે, ‘અમારાં પગારધોરણ વૈશ્વિક લેવલનાં નથી. કામગીરી તેમના જેવી માગવામાં આવે છે. અમે આટલા પગારમાં અમારી શિક્ષણ પદ્ધતિ સદંતર બદલવા માગતા નથી. તેથી જ જો અમને બીજી સ્કૂલમાં સારી ઓફર મળે તો અમે તરત જમ્પ મારી દઈએ છીએ’.
સરવાળે ચિત્ર એવું ઊપસે છે કે આઈબી સ્કૂલો આજના સમયની જરૂરિયાત છે. તેને અપનાવવી જરૂરી છે, પરંતુ એ અપનાવવા માટે કાચા પાયે કામ ન ચાલે. તે માટે સૌપ્રથમ તો આદર્શ શિક્ષકો જ તૈયાર કરવા પડશે.  જેથી મોંઘીદાટ ફી ચૂકવનાર વાલીઓને કચવાટ ન થાય. શાળાના સંચાલકોએ પણ એક વાત યાદ રાખવી જોઈએ કે આઈબી સ્કૂલોમાં માત્ર ભારતીયોનાં જ બાળકો નથી ભણવાના, અન્ય દેશમાંથી ભારત આવી વસેલાં બાળકો પણ ભણવા આવશે. તેઓ અહીંની સ્કૂલોનો અનુભવ સમગ્ર વિશ્વને જણાવશે. એટલે આવી સ્કૂલોનું શિક્ષણનું ધોરણ તો આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવું જ પડશે.

બોક્સઃ

ઇન્ટરનેશનલ બેચલરેટ સ્કૂલો વિષે

શરૂઆત ૧૯૬૮થી સ્વિત્ઝરલેન્ડના જીનીવા શહેરથી થઈ.

આજે સમગ્ર વિશ્વમાં કુલ ૧૪૧ દેશોમાં આઈબી સ્કૂલો છે.

વિશ્વની બધી આઈબી સ્કૂલોનો સરવાળો ૩,૩૨૩ થાય છે

વિશ્વના કુલ ૯,૯૮,૦૦૦ વિદ્યાર્થી હાલ આઈબીમાં ભણે છે.

આ સ્કૂલોમાં ૩ વર્ષથી ૧૯ વર્ષની ઉંમરનાં બાળકોને પ્રવેશ મળે છે.

સૌથી વધુ આઈબી સ્કૂલો અમેરિકામાં ૧,૩૦૭ છે.

વિશ્વના ૩૩ દેશોમાં માત્ર એક જ સ્કૂલ છે.


હસવું અને લોટ ફાકવો!

આઈબી સ્કૂલોમાં આંતરરાષ્ટ્રીય ધોરણનું શિક્ષણ અપાવવા માગતા કેટલાક વાલીઓની વાત હસવું અને લોટ ફાકવા જેવી છે. આ વાલીઓ કહે છે કે, ‘શિક્ષણ હંમેશાં માતૃભાષામાં લેવું જોઈએ. કારણ કે બાળક માતૃભાષા તેના ઘરમાં જન્મથી જ સાંભળતું અને સમજતું થયું હોય છે. તેની વિચારપ્રક્રિયા પણ માતૃભાષાની જ હોય છે. અન્ય ભાષાઓ તે પછીથી શીખે છે અને અન્ય તમામ ભાષાઓ માટે તેણે પોતાની માતૃભાષાના વિચારોને જ ેતે ભાષામાં અનુવાદ કરીને સમજવા તથા બોલવા પડે છે. તેથી જ આપણે અન્ય ભાષાઓ માતૃભાષા જેવી કડકડાટ બોલી શકતા નથી. એટલે આઈબીમાં પણ માતૃભાષામાં શિક્ષણ અપાય તો સારું.’

આ વાલીઓ ભૂલી જાય છે કે આઈબી સ્કૂલોની જરૂર વિદેશમાં વસતા આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમમાં ભણતાં બાળકો અન્ય દેશમાં જાય તો અભ્યાસક્રમ બદલવો ન પડે તેમાંથી ઊભી થઈ છે. જો તેમાં માતૃભાષાની વાત ઉમેરો તો પછી આંતરરાષ્ટ્રીય ધોરણે ચાલે તેવા એક જ અભ્યાસક્રમની વાત જ ક્યાં રહે છે. માતૃભાષામાં શિક્ષણ અપાવવું હોય તો આઈબી સ્કૂલમાં જવાની શી જરૂર છે?


બોક્સ

આઈબીની જેમ કેમ્બ્રિજ અભ્યાસક્રમ પણ ચાલે છે
તેની શરૂઆત (આઈબી પછી)૧૯૮૪થી યુ.એસ.એ.ના લોરા શહેરથી થઈ હતી.
વિશ્વના ૧૬૦ દેશોમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ભણાવતી સ્કૂલો ચાલે છે
વિશ્વમાં કુલ આવી ૯,૦૦૦ સ્કૂલો આવેલી છે
ગુજરાતમાં કેમ્બ્રિજ અભ્યાસક્રમ ચલાવતી ૨૫ સ્કૂલો છે.

No comments:

Post a Comment