મહેસાણાની શ્વેતા જીતી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ

મહેસાણાની શ્વેતા જીતી ઓલિમ્પિક્સમાં ગોલ્ડ

મહેસાણાની શ્વેતા ગોસાઈએ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને સાબિત કયુર્ં છે કે કોઈ પણ પ્રકારની વિકલાંગતાને તમે પરાસ્ત કરી શકો છો.


મહેસાણાના અંકિત રાજપરાએ ચેસમાં ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને ડંકો વગાડ્યો. તે સમાચાર હજુ તાજા જ છે, ત્યાં મહેસાણાની બીજી એક છોકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકીને મહેસાણાનું નામ રોશન કયુર્ં છે. આ છોકરીનું નામ છે શ્વેતા ગોસાઈ. શ્વેતાની સિદ્ધિ એ રીતે મહત્ત્વની છે કે તે માનસિક રીતે વિકલાંગ છે અને છતાં તેનાથી હાર્યા વિના તેણે વર્લ્ડ સમર ગેમ્સ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં સ્વિમિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. એથેન્સમાં યોજાયેલા આ ખાસ ઓલિમ્પિક્સમાં શ્વેતા જીતી હતી.
શ્વેતા ૨૭ વર્ષની છે. શ્વેતાના પિતા અરવિંદ સુરી મહેસાણામાં પાનનો ગલ્લો ચલાવે છે. તેઓ જૂનું મેટ્રિક પાસ છે.  તેનાં માતા ધનલક્ષ્મીબહેન ગૃહિણી છે. એ પોતે સ્કૂલ નથી ગયાં. શ્વેતાનો જન્મ થયો તે પહેલાં તેમને બે દીકરીઓ હતી. પણ શ્વેતા વિશિષ્ટ બાળક તરીકે જન્મી હતી કેમ કે તે જન્મ વખતે બીજાં સામાન્ય બાળકો જેવી નહોતી.
 શ્વેતાનો જન્મ થયો તે પછી ત્રણ વર્ષ સુધી હાલ્યાચાલ્યા વિના પડી રહેતી. એ વખતે ફ્ક્ત તેના શ્વાસ ચાલતા હતા. માત્ર તેના કારણે જ તે જીવતી હોવાનો અહેસાસ થતો. ત્રણ વર્ષની ઉંમર પછી તે હાલતી ચાલતી થઈ અને ધીરે ધીરે જીવંતતા આવવા માંડી. ચાર વર્ષની ઉંમરે તે બેસતાં શીખી. પછી ધીરે ધીરે તે બધું શીખતી ગઈ. જોકે બીજાં સામાન્ય બાળકોની જેમ તે વર્તતી નહોતી તેથી તેનાં માતા ધનલક્ષ્મીબહેનને સતત ચિંતા રહેતી.
  શ્વેતા મોટી થતી ગઈ તેમ તેમ ધનલક્ષ્મીબહેનની ચિંતા વધતી ગઈ. પોતાની દીકરી કઈ રીતે સામાન્ય જિંદગી જીવે તેના પ્રયત્નો તે સતત કરતાં રહેતાં. આ પ્રયત્નો દરમિયાન જ તેમને કોઈકે ખોડિયાર એજ્યુકેશન સ્કૂલનું નામ આપ્યંુ. આ સ્કૂલમાં આવા માનસિક વિકલાંગ  બાળકોને ખાસ પ્રકારે ભણાવવામાં આવે છે અને તેમનામાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાની કોશિશ કરવામાં આવે છે.
શ્વેતાને સ્કૂલમાં મૂકી પછી તેના શિક્ષક વિષ્ણુભાઈ ચૌધરીએ તેને શરૂઆતમાં બીજી બધી રીતે સામાન્ય શિક્ષણ આપ્યું, પછી તેમણે શ્વેતાને સ્વિમિંગની ખાસ તાલીમ આપવાનું નક્કી કયુર્ં. શ્વેતાનાં માતા ધનલક્ષ્મીબહેન કહે છે કે, ‘આ વાત સાંભળી મને આંચકો લાગેલો. મને થતું કે મારી શ્વેતા કેવી રીતે તરી શકે? મેં તેને ક્યારેય મારાથી દૂર નહોતી કરી અને દૂર કરવાની હિંમત પણ નહોતી ચાલતી, પણ સાહેબનો આગ્રહ હતો એટલે ના ના પાડી શકી અને એ રીતે તેની તાલીમ શરૂ થઈ. હું કાયમ તેની પ્રેક્ટિસ વખતે સાથે જ રહેતી અને તે જે રીતે તરતી તે જોતાં મને લાગતું કે વિષ્ણુભાઈની વાત સાચી હતી. પછી તો નાની મોટી સ્પર્ધાઓમાં હું તેની સાથે જતી. મેં જોયું કે ધીરે ધીરે તે આ સ્વિમિંગમાં વધારે ને વધારે પાકી થતી જતી હતી. આ બધું જોઈને મને પણ વિશ્વાસ થઈ ગયો કે મારી દીકરી અમારું નામ રોશન કરે તેવી છે. શ્વેતાએ રાજ્ય સ્તરે માનસિક રીતે વિકલાંગ બાળકોની ઘણી સ્પર્ધા જીતી છે. તેનો દેખાવ જોઈને જ તેને ૨૦૧૧માં ગ્રીકના કેપિટલ એથેન્સમાં યોજાયેલ સ્પેશ્યલ ઓલિમ્પિકમાં ભાગ લેવા મોકલવાનો નિર્ણય લેવાયો હતો.’
શ્વેતાના પિતા અરવિંદભાઈ કહે છે કે, ‘એ વખતે બહુ ડર લાગતો હતો. મારી દીકરી ૧૮૦ દેશોના સ્પર્ધકો વચ્ચે કઈ રીતે ટકશે તેવો સવાલ પણ પેદા થતો પણ દીકરી પર ભરોસો હતો. મને લાગતું હતું કે મારી દીકરી આ સ્પર્ધામાં જીતશે જ અને અમારી દીકરીએ ગોલ્ડ મેડલ જીતીને અમને સાચા પાડ્યા.’
 અરવિંદભાઈ આ વાત કરતાં કરતાં ગદ્ગદ્ થઈ ગયા. ‘અમને તો આ સપના જેવું જ લાગે છે. અમારો પરિવાર સાવ મધ્યમવર્ગીય પરિવાર છે. તેમાં શ્વેતા જેવી દીકરી આપીને ઈશ્વરે અમારા પર બહુ મોટો ઉપકાર કર્યો હોય એવું લાગે છે. આ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી એટલે અમને શ્વેતાના નામનો ચેક મળેલો. તે જમા કરાવવા માટે અમે લોકો બેંકમાં ગયા અને કહ્યું કે, અમારે બેંક મેનેજરને મળવું છે. તો પટાવાળા અને બીજા બધા કોઈએ અમારા પર ધ્યાન ના આપ્યું. મારે ખાસી વાર સુધી જીભાજોડી થઈ. પછી જેવી તેમને ખબર પડી કે શ્વેતા વિદેશમાં જીતીને આવી છે કે તરત જ બેંક મેનેજરે અમને બોલાવીને બેસાડ્યા અને મારી દીકરી જોડે ફોટો પણ પડાવ્યો. આટલો આદર સત્કાર મારી દીકરીને કારણે મળે છે તે જોઈ મારી તો ગજગજ છાતી ફૂલી ગઈ.’
શ્વેતાને પોતે મેળવેલી સિદ્ધિ બહુ મોટી છે તેનો બહુ અહેસાસ નથી, પણ તેને પોતે મેળવેલી જીતની ખબર  છે. તેને પૂછ્યું કે તને શું ગમે તો તેણે તેની મસ્તીમાં જવાબ આપ્યો કે, ‘મને તો મમ્મી ગમે અને તરવું ગમે. અને જીતવુ પણ ગમે.’
 શ્વેતાની સિદ્ધિની બહુ નોંધ ભલે ના લેવાઈ હોય પણ તેણે મેળવેલી સિદ્ધિ મોટી ચોક્કસ છે અને એ વાતનો પુરાવો પણ છે કે તમારામાં ધગશ હોય તો તમે કુદરતે આપેલી નબળાઈને પણ ઢાંકી શકો છો.

No comments:

Post a Comment