બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો


બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો

હોય શ્રદ્ધાનો જો વિષય તો પુરાવાની શી જરૂર!
 હમણાં જ ૧૫ લાખના માનવ મહેરામણ સાથે રંગે ચંગે બહુચરમાનો ચૈત્રી પૂનમનો મેળો પૂરો થયો. આમ તો મેળા કલ્ચર હવે ભુલાઈ રહ્યંુ છે તેવું વારંવાર કહેવાય છે, છતાંય માઈ ભક્તોની ભીડ અને દર્શન માટેની લાંબી કતાર જોઈને આ વાત સાચી લાગતી નથી... મેળાનું કલ્ચર ભુલાય તેવું નથી.

બહુચરાજીમાં મેળા દરમિયાન ગમે ત્યાં જઈએ તો જાણે આખંુ વાતાવરણ છડી પોકારી રહ્યું હોય કે ‘સોને કી છડી, રૂપે કી મશાલ, જરીયાન કા જામા, મોતીયન કી માલા, ગબ્બરના ગોખવાળી, ચાચરના ચોકવાળી, મા બહુચરાને ઘણી ખમ્મા.’
મહેસાણા જિલ્લાનું બહુચરાજી ગામ મા બહુચરના મંદિરને કારણે વિરમગામ અને મહેસાણા બંને પંથકમાં પ્રખ્યાત છે. અહીં ચૈત્રી પૂનમે માતાજીનો મેળો ભરાય છે. જેમાં આખા ગુજરાતના અને જ્યાં જ્યાં ગુજરાતી વસતાં હોય તે તમામ લોકો માનાં દર્શને આવે છે. આ મેળાનું આગવું મહત્ત્વ રહેલું છે અને મંદિરનું પણ. પ્રાચીન કાળથી શંખલપુર અને બહુચરાજીને માતાજીના સ્થાનક ગણવામાં આવ્યાં છે. તેને ચાચરના ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે.  
બહુચરાજી માતા વિષે બહુ જૂની વાયકા છે કે પાટણના સોલંકી વંશના રાજાએ અને વિરમગામના રાજાએ પોતપોતાને ઘેર દીકરો દીકરી આવે એટલે તેના સગપણ કરવાનું નક્કી કરેલું. પણ થયું એવું કે વિરમગામના રાજાને ત્યાં પણ દીકરી આવી અને પાટણના રાજાને ત્યાં પણ દીકરી આવી. રાજા મા બહુચરનો પરમ ભક્ત હતો, પણ થોડો જીદ્દી પણ હતો. તેની ધાક અને બીકને કારણે રાણીએ રાજાને જણાવ્યું કે તેમને ત્યાં દીકરો અવતર્યો છે. ખરેખર ત્યાં દીકરો નહીં પણ દીકરી હતી.
રાજમહેલમાં પુત્રી દીકરા તરીકે ઉછરવા લાગી. માતાએ દીકરીને પણ એ વાતનો અહેસાસ ન થવા દીધો કે તે દીકરી નથી દીકરો છે. જોતજોતામાં આ દીકરાના રૂપમાં દીકરી મોટી થઈ. આખરે રાજાએ તેને પરણાવવાની વાત કરી. યુવાની આવી હતી એટલે લગ્નની વાતો વચ્ચે કુંવરીને અહેસાસ થયો કે પોતે કુંવર નહીં પણ કુંવરી છે. તે વિચાર કરતી કરતી બહુચરમાની દેરી આગળ આવી પહોંચી ત્યાં એક તલાવડી હતી. ચૈત્ર મહિનાના ધોમધખતા તાપમાં આ રાજકુમારી સાવ નિરાશ થઈને તલાવડીની પેલે પાર આવેલા વગડામાં વૃક્ષ નીચે આવીને બેઠી.
આવામાં એક કૂતરી આ તલાવડીમાં ઠંડક લેવા ઊતરી અને કૂતરો બનીને બહાર આવી. રાજકુમારીએ આ જોયું. તેણે પોતાની ઘોડીને તલાવડીમાં ઉતારી. તો તે પણ એક તેજીલો ઘોડો બની ગઈ. આ જોયા પછી રાજકુમારીને તો જાણે માર્ગ મળી ગયો. રાજકુમારી પોતે ઊભી થઈને તલાવડીમાં ઊતરી અને ડૂબકી મારી બહાર આવી. બહાર આવીને પાણીમાં પોતાનું રૂપ જોયું  ત્યારે તે એક ખડતલ નવયુવાન બની ચૂકી હતી. એ પૂનમની તિથિ હતી.
આ રાજકુમારીની માતા બહુચરમાની પરમ ભક્ત હતી અને એટલે જ માતાજીએ આ ચમત્કાર કર્યો હતો. પછી તો રાજાને બધી વાતની જાણ થઈ અને અંતે તેણે અહીં બહુચરમાતાનું સરસ મજાનું મંદિર બનાવ્યંુ. આ તો લોકવાયકા છે, પણ ‘શ્રદ્ધાનો જો હોય વિષય તો પુરાવાની શી જરૂર’.
ચૈત્રી પૂનમે બહુચરાજીમાં વર્ષોથી પરંપરાગત મેળો ભરાય છે. સમગ્ર ગુજરાતમાંથી આ પૂનમના દિવસે લોકો પગપાળા કે વાહનોમાં મા બહુચરનાં દર્શને આવી પહોંચે છે. પૂનમનો મેળો ત્રણ દિવસ ચાલે છે, જે તેરસથી લઈને પૂનમ સુધી માતાના ભક્તો આવતા રહે છે. બધાની પાકી શ્રદ્ધા હોય છે કે બહુચરાજી મા તેની મનની ઇચ્છા પૂરી કરશે જ!
આ વર્ષે પણ માતાજીની પૂનમને ધામધૂમથી ઊજવવામાં આવી. પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના તમામ પ્રયાસો સાથે ઉજવણી સફળતાથી પાર પડી. મેળામાં ફરતાં જોયું તો અમેરિકા અને બીજા રાષ્ટ્રોમાં વસતા ગુજરાતીઓ પણ આવ્યાં હતાં. તેઓએ મન ભરીને મેળાની મઝા માણી.
તેરસના દિવસથી માઈ ભક્તો બહુચરાજી આવવા માંડે છે. આ પ્રવાહ છેક પૂનમ સુધી ચાલે. સવારે અને સાંજે ખાસ સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવે જેથી ભક્તોને માતાજીનાં દર્શન થઈ શકે. પૂનમને દિવસે સવારની આરતી અને સાંજની સંધ્યા આરતી બાદ રાતે સાડા નવ વાગે માતાજીની પાલખી બહુચરાજીના મંદિરેથી પૂરેપૂરા પોલીસ બંદોબસ્ત અને બેન્ડવાજાં સાથે શંખલપુર જવા રવાના થઈ. રંગેચંગે આખા ગામમાં ફરીને રાતના બે વાગે પાલખી ફરી બહુચર માતાના મંદિરે પરત ફરી અને આરતી કરી આ ઉત્સવની પૂર્ણાહુતિ થઈ.
આ મેળાના ત્રણેય દિવસના સાક્ષી અને માતાના ભક્ત ઊર્મિલા બહેનનો પરિવાર આમ તો યુ.એસ.એ.માં રહે છે, પણ દર પાંચ વર્ષે તેઓ અવશ્ય બહુચરમાના મંદિરે દર્શન કરવા આવે છે. તેઓ મહેસાણાના જગુદણ ગામના રહેવાસી છે. તેમનું કહેવું છે કે,‘ અમારા પરિવારના દરેક છોકરાની બાબરી અહીં ઊતરે છે. વળી જો છોકરું મોટંુ થાય અને બોલતાં ના શીખે તો તેમને માટે ચાંદી કે સોનાની જીભ ચડાવવાની માનતા રાખીએ છીએ. જેને લીધે અમારે કંઈને કંઈ કારણે ચૈત્ર મહિનામાં અહીં આવવાનું થાય છે.
બીજા એક સુરેશભાઈ પંચોળી કડીના રહેવાસી છે તેઓ પણ દર ચૈત્રી પૂનમે માતાનાં દર્શને અચૂક આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી તો તેઓ પગપાળા સંઘ લઈને બહુચરાજી આવે છે અને પૂનમના મેળાને માણે છે. વળી વિરમગામના ઇલાબહેન પટેલ પણ વર્ષોથી અહીં આવે છે. તેમનું કહેવું છે કે, ‘મને મા પર અસીમ વિશ્વાસ છે તેમણે મારી દરેક મુશ્કેલીમાં મદદ કરી છે તો હું ખાલી વર્ષમાં એકવાર બહુચરાજી ના જઈ શકું?’
બહુચરાજીમાં રહેતા લોકો આ વિશે શું માને છે તે જાણવા માટે જ્યારે ‘અભિયાને’ સ્થાનિક રહેવાસીઓનો સંપર્ક સાધ્યો, તેમના જવાબોનો સાર કંઈક આવો હતો, ‘અમે નસીબદાર છીએ કે બેચરાજીમાં અમારો જન્મ થયો છે. વર્ષમાં બે વાર મા બહુચરાજીની પાલખી ગામમાં ફરવા નીકળે છે. એક ચૈત્રી પૂનમ અને બીજી આસો પૂનમ. અમે આ લહાવો લઈએ છીએ. અમે યાત્રાળુઓને અમારાથી બનતી બધી મદદ કરીએ છીએ. વળી ચૈત્રી પૂનમની તૈયારીઓ તો અમે મહિનાઓ અગાઉથી શરૂ કરી દઈએ છીએ.’
મેળાની મજા માણી રહેલું ભરવાડ દંપતી માતાની ભક્તિ અને પોતાની મસ્તીમાં મશગૂલ હતું સાથે તેમનું બાળક પણ હતું જ્યારે ‘અભિયાને’ તેમની સાથે વાતચીત કરી તો તેમણે જણાવ્યું કે, ‘દર સાલ અમે અમારા દીકરા સાથે આવીએ છીએ. આ દીકરો માતાજીનો દીધેલો છે. એેટલે દર સાલ અહીં આવીએ છીએ.’ ભુવન અને હોથલે પોતાના દીકરાનું નામ બેચર પાડ્યું છે.
બહુચરાજીના સરપંચ વસંતીબહેન ઠાકોર સમરસ પંચાયતમાં ચૂંટાઈ આવ્યાં છે. તેમનો તો હરખ સમાતો નહોતો. તેમનું કહેવું હતંુ કે, ‘દર સાલ અમારે આંગણે આ રૂડો અવસર આવે છે અને અમે પૂરી શ્રદ્ધા ભક્તિથી તેને ઊજવીએ છીએ. દરેક યાત્રાળુનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ. માતાજીની કૃપાથી ગામનું સંચાલન અને સેવા કરવાનો અમને મોકો મળ્યો છે. હજુ સુધી તો કોઈ ખરાબ ઘટના અમારે ત્યાં બની નથી. કોઈ દિવસ આ સમય દરમિયાન લૂંટ કે ચોરી અથવા કોઈ અકસ્માત ક્યારેય સર્જાયો નથી. વળી અમે મંદિરના સંચાલકોને પૂરો સહકાર આપીએ છીએ.’
વહીવટી ક્લેક્ટર બી એમ વીરાણીએ ખૂબ વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને કહ્યું, ‘દર સાલ કરતાં આ વર્ષે યાત્રાળુઓની સંખ્યામાં વધારો થયો છે. અમે પૂરતો બંદોબસ્ત કર્યો છે. દરેક ભક્તને માનાં દર્શન થાય અને કોઈ જાતની અગવડ ના પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું છે. ૬૦૦ જેટલા પોલીસ કર્મીઓનો અમે બંદોબસ્ત કર્યો છે. દરેક જણ બે શિફ્ટમાં કામ કરશે. તેમનું આખું નામ પૂછવાની કોશિશ કરી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મને બી કે વીરાણી તરીકે ઓળખાવું જ ગમે છે.’





No comments:

Post a Comment