જીવીની જીજીવિષા

જીવીની જીજીવિષા

એનું નામ જીવી. જીવી મૂળતો ગુજરાતના ખાખરીયામાં જન્મેલ ગામડાની છોકરી. બે બેનો ને ત્રણ ભાઈ એમાં જીવી નો નંબર ત્રીજો. સામાન્ય રીતે સામાન્ય ઘરમાં સાવ સામાન્ય છોકરી જીવીને ડિસાના કરસન જોડે પરણાવીને મા-બાપે ગંગાનહાયાનો સંતોષ માન્યો કે ચલો સૌથી નાની દીકરીનાય હાથ હવે પીળા થઈ ગયા હવે આપણે છુટ્ટા.
પણ પણ જીવીના જીવનની ખરી શરૂઆત કરસન સાથે થઈ. 18 વર્ષની જીવીને તો કરસન જ દનિયાને કરસનનો પરિવાર જ તેનુ વિશ્વ. હેયને ટેસથી કરસન રોજ સવારે જીવીના હાથે બનાવેલ અમૃત સમી વાટકો ભરીને આખા દુધની ખોટ જેવી ચા ને એક આખા જુવારના રોટલાનું શીરામણ કરીને ટ્રેકટર પર ખેતર જવા ઉપડે. રસ્તામાં જે મળે તેને રામ રામ કહેતા જાય ને કામની ગોઠવણ કરતો જાય.

બપોરની વેળા થાયને જીવી કરસન માટે સરસ મજાનું દાળ-ભાત શાક-રોટલીનું ટીફીન લઈને ખેતર ઉપડે બેઉં માણસ ભેગા જમે અને નમતા પોરે સાથે ઘેર આવે. આ તેમનો નિત્યક્રમ. આમને આમ વરસ વિત્યુને જીવીને ખોળો મંડાણો.

કરસનના ખોરડા પર તો જાણે ઈશ્વરનું વરદાન ઉતર્યુ. પણ આ વરદાન જીવીને કરસનના જીવનમાં ઝંઝાવાત લઈ આવશે એની તેમને ક્યાં ખબર હતી. જીવી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવવા ગઈને ત્યાં માલુમ પડયુ કે જીવી એચઆઈવી પોઝીટીવ છે.

19 વર્ષની જીવીને કંઈ ખાસ સમજાયુ નહી. પણ જ્યારે ડોક્ટરે કરસનના લોહીની પણ તપાસ કરી ત્યારે ખબર પડી કે કરસન એચઆઈવી પોઝીટીવ હતોજ એટલું જ નહી પણ તેનો એચઆઈવી એઈડસમાં પરિણમી ચુક્યો હતો. અને તે પોતે તેની દવા પણ લેતો હતો. અને
જાણે જીવીના પગમાંથી કોઈએ જમીન ખેંચી લીધી. તમામ સગાસંબધીઓએ જીવીને કરસનથી સંબધો કાપી નાંખ્યા. ત્યાં સુધી કે તેના સાસુ- સસરાએ પણ કરસન અને જીવીને ઘરનો દરવાજો દેખાડી દીધો.

જીવી માથે એ વખતે જાણે આભ તુટી પડયું. તેને સમજાયુ કે આની કોઈ દવા નથી. પણ હા જો તે યોગ્ય સારવાર કરાવે તો તેનાથી થનારા બાળકને એચઆઈવીના ચેપથી બચાવી શકે છે.
જીવીએ મનમાં ગાંઠ વાળી કે હવે તો જીંદગી સામે લડી જ લેવું છે મારુ બાળક તો એચઆઈવીગ્રસ્ત નહી જ આવવા દઉં. અને આ તમામ બાબતોનો ભાર કરસન પર એવો પડ્યો કે તેણે ગામનો કૂવો પુરયો. એટલે જીવીની રહી સહી ઉમ્મીદ પર પણ પાણી ફરી વળ્યુ. પણ કહે છે ને કે ચાહ હોય ત્યાં રાહ હોય જ.

જીવીના ભાઈ જીવીને અમદાવાદ લઈ આવ્યા. અહીંની હોસ્પિટલમાં તેની સારવાર શરૂ કરાવી તેને પુરા મહિને એચઆઈવી નેગેટીવ દિકરી અવતરી.
આજે આ વાતને પૂરા 7 વર્ષ થઈ ચુક્યા છે જીવીએ એચઆઈવી પોઝેટીવ વ્યિક્ત સાથે ફરીવાર લગ્ન કરી લીધા છે તેની દીકરી સ્નેહા અંગ્રેજી માધ્યમમા ભણે છે અને જીવી એચઆઈવીનો ભોગ બનતા લોકોમાં જીજીવીષા જગાડવાનો ભેખ લઈને બેઠી છે.

દોસ્તો આ સાવ સાચી વાત છે કાલે ફરી મળીશુ ફરી કોઈ સામાન્ય વ્યક્તિના અસામાન્ય સાહસની વાત લઈને

- ગાયત્રી જોષી

મન હોય તો માળવે જવાય

મન હોય તો માળવે જવાય
નામે જીગર. અને નામ મુજબ જ જીગરવાળો પણ ખરો. જન્યો ત્યારે મા-બાપે આજુબાજુની દસ સોસાયટીઓમાં પેંડા વહેંચ્યા હતા. હસતા રમતા બાળપણ વિતવા લાગ્યુને એક દિવસ સાવ સામાન્ય તાવ આવ્યો ડોક્ટરે ઈન્જેકશન આપ્યુને જીગરનો તાવ તો ઉતરી ગયો પણ પગ.... પણ પગ કાયમ માટે રસ્તા પર ચાલવાનું ભુલી ગયા. 

જીગરને સમજાયુ નહી કે કાલ સુધી તો તે દોડપકડ રમતો મમ્મીનો પાલવ પકડીને પાછળ પાછળ પડતો પણ હવે હવે એના પગ એનું કહયુ નહોતા માનતા. ગમે તેટલી તાકાત લગાવે જોર કરે પણ હઠીલા એવા હઠે ભરાતા કે જીગર જોર જોરથી રડી પડતો. મમ્મી પોતાના રાજકુમારને ફોસલાવીને શાંત કરાવતી અને તેનું ધ્યાન બીજી વાતોમાં દોરતી. બાળસહજ માનસ પગને ભુલીને બીજી રમતો અને વાતોમાં પરોવાઈ જતું. પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને સમજાયું કે હું સામાન્ય નથી. અસામાન્ય પણ નથી. પણ હું કંઈક સ્પેશ્યલ છું.

જીગરના માતા-પિતાએ પણ જીગરને કયારેય પણ એવું લાગવા ન દીધુ કે તે પોતે કોઈ રીતે પાછો પડે તેમ છે. જીગર સામાન્ય લોકો સાથે ભણ્યો. ધીરે ધીરે તેને સમજાયુ કે બીજા લોકો જે સરળતાથી કરી શકતા તે પોતે ના કરી શકતો અને બસ તેણે નીધાર્ર કર્યો કે હવે હું સામાન્ય માણસો સાથે જ મારી હરિફાઈ કરીશ. અને તેનો સંઘર્ષ શરૂ થયો. દિવસો વિતતા ગયા તેમ તેમ તેની સ્પર્ધા પણ વધતી ગઈ. પણ જીગરે હાર ન માની. એવામાં ગુજરાતમાં ધરતીકંપના આચંકા આવ્યા અને કંઈ કેટલાય લોકોના ઘર રોળાઈ ગયા સાથે સાથે ઘણાએ જીવ ગુમાવ્યા તો અમુકના હિસ્સે આવી જીવનભરની અપંગતા. જીજ્ઞા પણ આવી જ એક નસીબની મારી યુવતી હતી. 21 વર્ષની ઉમંરે સાજી નરવી જીજ્ઞાએ ભુંકપમાં પોતાના પગ ગુમાવ્યા.

પણ નસીબ કરે તે સહી એમ માનીને જીજ્ઞા સામાન્ય જીવન જીવવાના પ્રયત્ન કરતી પણ કુદરતની ક્રુર મજાક માટે ક્યારેક ક્યારેક એકલામાં આંસુ સારી લેતી. એવામાં તેની મુલાકાત જીગર સાથે થઈ અને બસ બંને સાથે જીવવાનું નક્કી કર્યુ વાજતે ગાજતે બંને પ્રભુતામાં પગલા પાડયા. ખરી કસોટી હવે શરૂ થઈ. જીજ્ઞાનો કમરથી નીચેનો ભાગ પેરાલીસીસના સપાટામાં હતો અને તે પોતાના પગ પર ઉભી થઈ શકે એમ નહતી પણ કહે છે ને કે કુદરતની લીલા ન્યારી છે જીગર અને જીજ્ઞાના આંગણામાં ફુલ ખીલવાનું હતું પણ ડિલવરી કેમ થાય તે ડોક્ટર અને બીજા બધાય માટે એક પ્રાણ પ્રશ્ન હતો. તેમ છતાં પુરા મહિને સીઝેરીયનથી જીગર અને જીજ્ઞાનો કુળદીપક જશ દુનિયામાં પ્રકાશ ફેલાવા આવી ગયો. અને આજે જીગર અને જીજ્ઞા બંને તેમના જેવાજ સ્પેશ્યલો લોકોની સેવામાં તેમને સામાન્ય જગ્યાએ નોકરી અપાવવામાં તેમના મેરેજ કરાવવામાં તેમને બીજી કોઈ મદદ કરવામાં પોતાના જીવનનું સાફલ્ય સમજી તેનેજ જીવે છે.

મિત્રો અમદાવાદને આંગણે આ દંપત્તિ પોતાના પરિવાર સાથે કિલ્લોલ કરે છે આ સાવ સાચી ઘટના છે કાલે ફરી કોઈ જીવતી નવલીકા લઈને મળીશું.

- ગાયત્રી જોષી