મન હોય તો ગ્રાન્ડ માસ્ટર બનાય


મન હોય તો ગ્રાન્ડ માસ્ટર બનાય

 ગુજરાતના અંકિત રાજપરાએ ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને ગુજરાતનંુ ગૌરવ વધાયુર્ં છે. તેની આ સિદ્ધિમાં તેના પરિવારે આપેલા ભોગનું યોગદાન પણ મોટું છે. અંકિતની આ સિદ્ધિની ભીતરમાં રહેલા સંઘર્ષ અને તેના પરિવારે આપેલા ભોગની વાતો જાણીએ.
 જે દેશમાં ક્રિકેટ સિવાયની રમત રમનારા લોકોને મૂર્ખ ગણવામાં આવતા હોય તે દેશમાં ચેસની રમતમાં કોઈ છોકરો ઝળકે તો તેને સલામ મારવી પડે અને એ ઝળહળાટ પણ પાછો ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનવાની કક્ષાનો હોય તો સો સલામ મારો તો પણ ઓછી પડે. અંકિત રાજપરા નામના એક ગુજરાતી છોકરાએ હમણાં આવી જ સો સલામ મારવી પડે તેવી સિદ્ધિ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
ગુજરાતમાં તેજસ બાકરે ચેસનો પર્યાય છે. તેજસે ચેસમાં ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનીને સાબિત કરેલું કે ગુજરાતીઓ માત્ર બિઝનેસ કે નાણાં કમાવવામાં જ મગજ નથી દોડાવતા, પણ ચેસ જેવી રમતમાં પણ મગજ દોડાવી શકે છે. અંકિત રાજપરાએ એ જ વાત ફરી સાબિત કરી છે. અંકિતની ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ તો મોટી છે જ પણ આ સિદ્ધિ વધારે મોટી એટલે બની જાય છે કે તેણે મહેસાણા જેવા ગુજરાતના નાનકડા શહેરમાં રહીને આ સિદ્ધિ કેળવી છે.
મહેસાણામાં અત્યારે બધે જ રંગે સહેજ શ્યામ અને દેખાવે સાવ સામાન્ય એવા આ ધીરગંભીર છોકરાની ચર્ચા છે. મહેસાણાને આ પહેલાં ભાગ્યે જ મળ્યું હોય તેટલંુ મીડિયા કવરેજ આ ૧૯ વર્ષના છોકરાને કારણે મળ્યું છે. મહેસાણામાં વિસનગર રોડ પર સનસિટી સોસાયટી છે. અત્યાર સુધી આ સોસાયટી ક્યાં છે તે લોકોને ખબર નહોતી. અત્યારે આ સોસાયટી મીડિયામેનના આકર્ષણનું કેન્દ્ર છે.
આ સોસાયટીમાં આવેલા મકાન નંબર એ૩૧માં લોકોની અવરજવર સતત ચાલુ જ રહે છે. અંકિત છેલ્લાં ૧૦ વર્ષથી ચેસ રમે છે અને મહેસાણામાં તેનંુ નામ જાણીતું છે, પણ આ રીતે લોકોની અવરજવર કદી જોવા નહોતી મળી. અત્યારે આ મકાનમાં ઉત્સવ જેવો જ માહોલ છે. અંકિતનાં મમ્મી દક્ષાબહેનના ચહેરા પર હરખ માતો નથી. તેમના અવાજમાં પણ આ હરખ છલકાયા જ કરે છે. વચ્ચે વચ્ચે તેમની આંખોમાં આંસુ આવી જાય છે, પણ આ આંસુ પણ હરખનાં છે.
દક્ષાબહેને આ હરખથી છલકાતાં અવાજે જ ‘અભિયાન’ સાથે અંકિતની આ યશસ્વી સફરની વાત માંડી.
‘અંકિત નાનપણથી જ કોઈ પણ કામમાં પૂરેપૂરો એકાગ્ર થઈ જતો. તે દરેક કાર્ય એકાગ્રતાથી કરતો. જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારથી જ હુ તેને અલગ અલગ ઇતર પ્રવૃત્તિઓના ક્લાસીસ કરાવતી,’ જ્યારે તેનાં મમ્મી દક્ષાબહેને તેને ઇતર પ્રવૃત્તિઓ જેવી કે સ્કેટિંગ, બેડમિન્ટન વગેરેના ક્લાસમાં મૂકેલો ત્યારે જે પણ કોઈ તેને રમતો જોતા તે દંગ થઈ જતા. 
નવ વર્ષની ઉંમરે અંકિત અમદાવાદમાં પોતાના મામાને ઘરે વેકેશન માણવા આવેલો અને ત્યારે તેના મામા અરુણ રાજપાલે તેને ચેસ રમતાં શીખવ્યું. એ વખતે એ ચેસ ખાલી ટાઇમ પાસ કરવા જ શીખેલો, પણ   અંકિતની એ ખાસિયત છે કે તે જે પણ કામ કરે તે પૂરેપૂરો ખૂંપીને કરે છે. ચેસમાં પણ એવું બન્યું. એ ચેસમાં એવો ખૂંપ્યો કે પછી તેમાંથી બહાર જ ના નીકળ્યો.
 અંકિત અમદાવાદમાં હતો એ દરમિયાન જ ગુજરાત ક્લબમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું હતું. અંકિતને એ વખતે ચેસની રમત શીખે હજુ ત્રણેક દિવસ જ થયા હતા, પણ તેને તેમાં એટલો રસ પડી ગયો હતો કે તેણે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવાની ઇચ્છા દર્શાવી. મામાએ પણ તેની આ ઇચ્છાને માન આપી તેનંુ નામ લખાવી દીધું. એ વખતે કોઈને કલ્પના પણ નહોતી કે અંકિત આ સ્પર્ધા જીતશે. અંકિતે એ સ્પર્ધા જીતી લઈ સૌને છક કરી દીધા. આ તેની પહેલી જ ટુર્નામેન્ટ હતી અને એ જીત્યા પછી અંકિતે પાછંુ વળીને જોવું નથી પડ્યું.
 એ સ્પર્ધામાં તેની રમત જોઈ અંકિતનાં માતાપિતાને લાગ્યું કે જો વગર કોચિંગે આ છોકરો આ રીતે રમતો હોય તો જો તેને યોગ્ય માર્ગદર્શન અને ટ્રેનિંગ મળે તો ક્યાંય આગળ નીકળી જાય. તેમણે અંકિતને પૂછ્યું તો તેણે પણ આ રમતમાં રસ બતાવ્યો ને એ સાથે જ તેની સફર શરૂ થઈ.
જોકે આ સફર સરળ નહોતી. શરૂઆતમાં ખૂબ તકલીફો પડી. એ વખતે બધો ખર્ચ પરિવારે જાતે જ ઉપાડવો પડતો. તેમાં બહુ ખર્ચ થતો. રશ્મિકાંત રાજપરા મહેસાણા જિલ્લાના ધિણોજ ગામમાં શિક્ષક છે. રશ્મિકાન્ત એ દિવસોને યાદ કરતાં કહે છે, ‘અંકિતની ટુર્નામેન્ટ શનિવારે અને રવિવારે જ હોય એટલે શનિવારે અમદાવાદ જવાનું હોય. હું સ્કૂલેથી અગિયાર વાગે ઘરે આવું ત્યારે અંકિત અને તેની મમ્મી રેડી હોય. અમે સીધા અમદાવાદ ઊપડીએ. મારે શનિવારે હંમેશાં ઉપવાસ હોય એટલે ખાધા વિના જ ભાગવું પડે.
અમદાવાદમાં બાપુનગરમાં મારા સસરા રહે છે. શનિવારની રાત ત્યાં રોકાઈએ. પાછંુ રવિવારે જેવી ટુર્નામેન્ટ પતે કે પાછા મહેસાણા ભેગા થઈ જઈએ. આ રીતે વર્ષો લગી દોડધામ કરવી પડી છે.
એ વખતની અમારી દોડધામ અને આ રીતે થતો ખર્ચ જોઇને સગાં સલાહ આપતા કે મધ્યમ વર્ગના પરિવારમાં આવી મોંઘી રમત ના પોષાય, પણ અમે મક્કમ હતા. અમારે સ્પોન્સર મેળવવામાં પણ ખૂબ તકલીફ પડી, પણ એ છતાંય અમે હિંમત ના હાર્યા કે અંકિતને પણ તેનો અહેસાસ ના થવા દીધો અને આજે અમને તેનંુ ફળ મળ્યું છે.’ આટલું કહ્યા પછી રશ્મિકાન્ત ઉમેરે છે કે, મારા દીકરાની લગન અને મહેનતે મને કોઈ દિવસ વિતેલી તકલીફોનો અહેસાસ નથી થવા દીધો.
અંકિતનાં માતા દક્ષાબહેને પણ અંકિત પાછળ ઘણો ભોગ આપવો પડ્યો છે. શરૂઆતનાં વર્ષોમાં અંકિતની ટુર્નામેન્ટ અમદાવાદમાં રહેતી, ત્યારે માતાપિતા બંને સાથે જતાં. પછી જેમ જેમ અંકિત આગળ વધતો ગયો તેમ તેમ બહારનાં રાજ્યોમાં પણ જવું પડતું. એ વખતે સંતુલન જાળવવું મુશ્કેલ હતું. એ વખતે દક્ષાબહેને અંકિતની જવાબદારી માથે લીધી. રશ્મિકાન્ત ઘર સાચવે ને દક્ષાબહેન અંકિતને સાચવે એવું નક્કી થયું, ને દક્ષાબહેને આ જવાબદારી બરાબર નિભાવી છે. અંકિત ૧૭૦ વાર બહાર રમવા માટે ગયો છે. તેમાંથી ૧૬૫ વખત દક્ષાબહેન તેની સાથે સાથે ગયાં છેે.
 દક્ષાબહેન કહે છે કે, ‘અંકિતની સાથે જવામાં અમારા દાંપત્યજીવનનો પણ મારે ભોગ આપવો પડ્યો છે. કેમ કે હું મોટે ભાગે અંકિત સાથે ઘરથી દૂર જ હોઉં. મારા પતિ અને હું છેલ્લાં કેટલાંય વર્ષોથી સાથે ફિલ્મ જોવા નથી ગયાં, પણ આજે અંકિતના નામથી જ્યારે અમે ઓળખાઈએ છીએ ત્યારે અમને તેનો વસવસો નથી રહેતો. માતાપિતા માટે એનાથી મોટંુ સૌભાગ્ય શું હોય કે સંતાનોના નામથી તેઓ ઓળખાય. મારા પતિ અને નાનો પુત્ર ઉત્સવ ઘર સંભાળી લે છે. આખા પરિવારના ત્યાગ તપ અને બલિદાનનું ફળ છે. આ ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ.’
 દક્ષાબહેન આટલી વાત કરતાં તો રડી પડ્યાં. આંસુ લૂછીને તેમણે ઉમેર્યું, ‘આજે જ્યારે પાંચ કરોડ ગુજરાતીઓમાં મારા અંકિતનું નામ લેવાય છે ત્યારે મને મારી મહેનત સાર્થક થતી લાગે છે.’
 અંકિત પણ પોતાની સફળતા માટે પોતાનાં માતાપિતાએ આપેલા ભોગને યશ આપે છે. ચેસ રમતા ંપહેલાં વાંચન દ્વારા મનોબળ મેળવનાર અંકિત કહે છે કે રોજ દસથી પંદર કલાક વાંચનપ્રેક્ટિસ પછી જો રમતમાં ધાયુર્ં પરિણામ ના આવે તો ક્યારેક નાસીપાસ થઈ જતો. ત્યારે મારા પરિવારનો સપોર્ટ અને વાંચન મારા મનોબળને વધારતા. મારા પરિવારનો સાથ મને સંઘર્ષમાં ટકી રહેવાની ક્ષમતા આપે છે. મારા નાના એસ કે રાજપાલ અને નાની મંજુલાબહેન રાજપાલનો પણ મને સફળ બનાવવામાં મોટો હાથ છે.
 અંકિત પોતાની સફળતા પછી હવામાં ઊડતો નથી. ‘બસ રમતો ગયો અને જીતતો ગયો. સફળતા મળી તો તમારા જેવાએ વખાણ્યો અને નિષ્ફળતા મળી તો એ જ લોકોએ વખોડ્યો. હું જ્યારે ચેસ રમતા શીખ્યો અને કોમ્પિટિશનમાં ભાગ લેતો થયો ત્યારે મેં નહોતું વિચાયુર્ં કે હું સફળ થઈશ અથવા નિષ્ફળ થઈશ, પણ કોઈપણ કામમાં ૧૦૦ પર્સેન્ટ ડેડીકેશન જરૂરી હોય છે. ચાહે તે સાવ ક્ષુલ્લક જ કામ કેમ નથી, પણ તે જો તમે ધ્યાન અને એકાગ્રતાથી કરશો તો દીપી ઊઠશે.’
 અંકિત ૨૧ વાર સ્ટેટ ચેમ્પિયન રહી ચૂક્યો છે તે ૭ વખત ઇન્ટરનેશનલ માસ્ટર બન્યો છે. આ વખતે તેણે ઊંચી છલાંગ લગાવીને ગુજરાતીઓને ગૌરવાન્વિત કરી દીધા.
અંકિત હાલમાં તો ઉઝબેક્સ્તાિનમાં એશિયન જુનિયર અંડર ૨૦ ટુર્નામેન્ટમાં રમવા નીકળી ગયો છે. આ સ્પર્ધા જીતીને તે ગુજરાતીઓને વધારે ગૌરવ અપાવે તેવી આશા રાખીએ.

બોક્સ.......કૂકટોપ, રસોઈની સામગ્રી સાથે રાખે છે

અંકિત વેજિટેરિયન છે અને તે સામાન્ય ગુજરાતી પરિવારોની જેમ શુદ્ધ શાકાહારી ભોજન જ લે છે. તે જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે એક કૂકટોપ અને રસોઈ માટેની તમામ સામગ્રી લઈ જાય છે. વેલણ પાટલી, લોટ, ચોખા દાળ વગેરે તે સાથે લઈ જાય છે અને વિદેશમાં પણ રોજ તે દાળભાત શાક રોટલી જમે છે. જો તે શક્ય ના હોય તો મેગીથી કામ ચલાવે છે. રેડીમેડ ભાખરી કે થેપલા ખાખરા વગેરે પણ સાથે લઈ જાય છે. 
.........................................

  ‘લાઇફ ઈઝ વોટ યુ મેક ઈટ’


અંકિતને વાંચનનો ભારે શોખ છે. અત્યાર સુધી તેણે ૧૦૦ જેટલાં પુસ્તકો વાંચ્યાં છે. પ્રીતિ સીમા નામની લેખિકાનું ‘લાઇફ ઈઝ વોટ યુ મેક ઈટ’ તેનું સૌથી વધુ ગમતું પુસ્તક છે, જેમાં એક વ્યક્તિની સંઘર્ષ કથા વર્ણવામાં આવી છે. અંકિતને ફિલ્મો જોવાનો પણ ખૂબ શોખ છે. જ્યારે પણ સમય મળે ત્યારે થિયેટરમાં અથવા તો ડીવીડી પર મનપસંદ કોમેડી ફિલ્મો જોઈ લે છે.

                                                                                                      

No comments:

Post a Comment