9th april 1932 first gujarati film released 'narsinh mehta'

9th april 1932 first gujarati film released 'narsinh mehta'

પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' ૧૯૩૨ની ૯મી એપ્રિલે રજૂ થઈ હતી.
- ગાંધીજી નરસૈંયાની રચના 'વૈષ્ણવ જન તો તેને.. રોજ ગાતા એટલે ફિલ્મ પહેલેથી હીટ હતી

અમદાવાદ, તા. 9 એપ્રિલ 2017, રવિવાર

પ્રથમ ગુજરાતી ફિલ્મ 'નરસિંહ મહેતા' ૧૯૩૨ની ૯મી એપ્રિલે રજૂ થઈ હતી. એ સાથે જ ગુજરાતી ફિલ્મના ઈતિહાસનું પહેલુ પ્રકરણ લખાવાની શરૃઆત પણ થઈ હતી.

સાગર મુવિટોનના ચિમનભાઈ દેસાઈએ પહેલી ગુજરાતી ફિલ્મ માટે એવરગ્રીન વિષય નરસિંહ મહેતા પસંદ કર્યો. ફિલ્મનું દિગ્દર્શન કર્યુ હતું અનુભવી ડિરેક્ટર નાનુભાઈ નાયકે. જ્યારે કલાકારો તરીકે મોહન લાલજી, મનહર માસ્ટર, બચુ માસ્ટર, ઉમાકાંત દેસાઈ, ત્રિકમદાસ, મિસ જમના, મિસ ખાતુન, મિસ મહેતાબ, શરીફાબાનુ, મિસ દેવી, મારુતિરાવ વગેરે કલાકારો હતા. આજે એ નામો તદ્દન અજાણ્યા લાગે એ સ્વાભાવિક છે.

એ ફિલ્મમાં નાના-મોટા ૧૫ ગીતો હતા. નરસૈંયાની જાણીતી વાર્તા જ આ ફિલ્મમાં રજૂ થઈ હતી. નરસૈયાને વિષય તરીકે પસંદ કરવા પાછળનું બીજું કારણ નરસિંહ મહેતાનો વ્યાપ હતો. રાજસ્થાની અને મરાઠી ભાષી પ્રદેશોમાં પણ નરસિંહના પદો ગવાતા હતા. માટે ફિલ્મને વધુ ઓડિયન્સ મળી શકે એમ હતું. વળી ગાંધીજી નરસૈંયાની રચના 'વૈષ્ણવ જન તો તેને..' નિયમિત ગાતા હતા, માટે લોકોમાં એ ગીત ભારે લોકપ્રિય હતું.

ફિલ્મના શૂટિંગ માટે મુંબઈના ઘોડ બંદર રોડ ઉપર સેટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં ઘણો ભાગ તો જૂનાગઢના લોકેશનોએ રોક્યો હતો. ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસમાં જ પુરું થઈ ગયુ હતું. ફિલ્મમાં નાની નાની વાતોનું નાનુભાઈ નાયકે ખુબ ધ્યાન રાખ્યુ હતું. જેમ કે શામળશાના લગ્ન વખતે કોઈએ કહ્યું કે નરસિંહ મહેતા નાગર હતા અને નાગરોની લગ્ન વિધિ સહેજ અલગ હોય છે. તો નાયકે શૂટિંગ અટકાવી નાગર પરંપરા પ્રમાણે લગ્નના દૃશ્યો શૂટ કરાવ્યા હતા. એ લગ્નના શૂટિંગ માટે જે ગોર મહારાજે વિધિ કરાવી હતી તેમણે પૈસા લીધા ન હતા. તેમણે એવુ કહ્યું હતું કે નરસિંહ મહેતાના થોડા પૈસા લેવાય!

આખરે એ બધી વીધિ પુરી થયા પછી ૧૯૩૨ની નવમી તારીખે મુંબઈના વેસ્ટ એન્ડ સિનેમાઘરમાં ફિલ્મ રિલિઝ થઈ હતી. એ સાથે જ ગુજરાતી ફિલ્મના ઈતિહાસનું પહેલુ પ્રકરણ લખાવાની શરૃઆત પણ થઈ હતી.

પહેલી હિન્દી ફિલ્મની રીલ નથી સચવાઈ એમ પ્રથમ ગુજરાતી ફિલ્મની રીલ પણ ક્યાંય સચવાઈ નથી. એટલે તેના પોસ્ટરો અને ડાઈલોગના દસ્તાવેજોમાંથી જ તેના વિશેની થોડી-ઘણી માહિતી મળી શકે છે. એ વખતના ફિલ્મી પોસ્ટરો પણ આજના જેવા ભભકાવાળા નહીં પણ સાદા-સીમ્પલ હતા. નાનુભાઈ માટે આ ફિલ્મનું ડિરેક્શન અઘરું હતું, કેમ કે તેમાં આલમ આરાની માફક કોઈ કાલ્પનિક વાર્તા ન હતી. ગુજરાતના ઈતિહાસમાં બનેલી સાચી ઘટના રજૂ કરવાની હતી. વાર્તા નક્કી થયા પછી ફિલ્મ કલાકારો શોધવા માટે નિર્માતાઓને ખાસ્સી મહેનત કરવી પડી હતી. ઉત્કંઠ મહેતાના ૧૯૯૩માં આવેલા પુસ્તક 'ગુજરાતી ચલચિત્ર પરંપરા'માં આ તમામ વિગતો નોંધાઈ છે.

No comments:

Post a Comment