એ જાણવા છતાંય કે તુ મને ક્યારેય ઓળખી નથી શકવાની તારો જ પીટર

એ જાણવા છતાંય કે તુ મને ક્યારેય ઓળખી નથી શકવાની તારો જ પીટર
ડિયર મારથા

મને એ જાણીને ગમ્યુ કે તું આજેય મારા હાર્ટશેપમાં આપેલા કાચના ટુકડાને કોટે વળગાળીને બેઠી છે.

હું હેવનમાં છુ વ્હાલી. અહીં તારાથી સુંદર સુંદર નમણીઓ મને ગમી જાય છે હું એમની નજીક સરી પડુ છું રંગબેરંગી રંગના પરિધામાં આ એન્જલ લાગતી દિવ્યબાળાઓ મને બહું ગમે છે. એ પણ મને ખુશ કરવા જાતભાતના શૃંગાર કરે છે. પણ જેવી એ નજીક આવે છે કે એવુ તરત જ માત્ર તને જ આટલા નજીકથી જોવા ટેવાયેલી આંખો હું બંધ કરી લઉ છું. જેથી તારી યાદોના આવરણ હઠાવી હું મારી જાતને આ રમણીઓમાં રમમાણ કરી શકુ.
પણ મારી આંખો બંધ થઈ જાય એટલે એ મોહિનીની ખુશ્બુ મને તરત જ તેનાથી જોજનો દૂર લઈ જાય છે કેમ કે, મારી આંખો બંધ છે તો શું થયુ મારા શ્વાસમાં સમાયેલા તારા શ્વાસોશ્વાસની સંગત સમી સોડમ મને દુનિયાની કોઈ સ્ત્રી કે દેવી નથી આપી શકી.

 ઘણીવાર જીજસ મને પૂછે છે કે તુ મારી સાથે છે તેમ છતાંય તુ ખુશ કેમ નથી હું હસીને કહું છુ કોણે કહયુ હું ખુશ નથી.

જીજસ મને તરત કહે છે બધુ મને કહેવાનું ન હોય.

ત્યારે હું પણ તેમની આંખમાં આંખ પરોવીને કહુ છું હું જાણું છું હું હેવનમાં છું પણ મારે મન આ હેલથી પણ બદતર છે.
દુઃખોમાં મને મારથા કદાચ યાદ ન આવત.
પણ સુખની કલ્પના એટલેજ મારથા. તો હું તમારા કદમોમાં પણ ખુશ ક્યાંથી હોઉ.
જીજસનેય આ જાણીને દયા આવી ગઈ એટલે જ દર વર્ષે આજના દિવસે એમણે મને પૃથ્વી પર તારી આંખમાંથી વરસવાની છુટ આપી છે.

હા મારથા તારી આંખમાં કાજળ સાથે વહી જતુ કાળુ પાણી હું છુ.

         એ જાણવા છતાંય કે તુ મને ક્યારેય ઓળખી નથી શકવાની તારો જ પીટર

No comments:

Post a Comment