મન હોય તો માળવે જવાય

મન હોય તો માળવે જવાય
નામે જીગર. અને નામ મુજબ જ જીગરવાળો પણ ખરો. જન્યો ત્યારે મા-બાપે આજુબાજુની દસ સોસાયટીઓમાં પેંડા વહેંચ્યા હતા. હસતા રમતા બાળપણ વિતવા લાગ્યુને એક દિવસ સાવ સામાન્ય તાવ આવ્યો ડોક્ટરે ઈન્જેકશન આપ્યુને જીગરનો તાવ તો ઉતરી ગયો પણ પગ.... પણ પગ કાયમ માટે રસ્તા પર ચાલવાનું ભુલી ગયા. 

જીગરને સમજાયુ નહી કે કાલ સુધી તો તે દોડપકડ રમતો મમ્મીનો પાલવ પકડીને પાછળ પાછળ પડતો પણ હવે હવે એના પગ એનું કહયુ નહોતા માનતા. ગમે તેટલી તાકાત લગાવે જોર કરે પણ હઠીલા એવા હઠે ભરાતા કે જીગર જોર જોરથી રડી પડતો. મમ્મી પોતાના રાજકુમારને ફોસલાવીને શાંત કરાવતી અને તેનું ધ્યાન બીજી વાતોમાં દોરતી. બાળસહજ માનસ પગને ભુલીને બીજી રમતો અને વાતોમાં પરોવાઈ જતું. પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને સમજાયું કે હું સામાન્ય નથી. અસામાન્ય પણ નથી. પણ હું કંઈક સ્પેશ્યલ છું.

જીગરના માતા-પિતાએ પણ જીગરને કયારેય પણ એવું લાગવા ન દીધુ કે તે પોતે કોઈ રીતે પાછો પડે તેમ છે. જીગર સામાન્ય લોકો સાથે ભણ્યો. ધીરે ધીરે તેને સમજાયુ કે બીજા લોકો જે સરળતાથી કરી શકતા તે પોતે ના કરી શકતો અને બસ તેણે નીધાર્ર કર્યો કે હવે હું સામાન્ય માણસો સાથે જ મારી હરિફાઈ કરીશ. અને તેનો સંઘર્ષ શરૂ થયો. દિવસો વિતતા ગયા તેમ તેમ તેની સ્પર્ધા પણ વધતી ગઈ. પણ જીગરે હાર ન માની. એવામાં ગુજરાતમાં ધરતીકંપના આચંકા આવ્યા અને કંઈ કેટલાય લોકોના ઘર રોળાઈ ગયા સાથે સાથે ઘણાએ જીવ ગુમાવ્યા તો અમુકના હિસ્સે આવી જીવનભરની અપંગતા. જીજ્ઞા પણ આવી જ એક નસીબની મારી યુવતી હતી. 21 વર્ષની ઉમંરે સાજી નરવી જીજ્ઞાએ ભુંકપમાં પોતાના પગ ગુમાવ્યા.

પણ નસીબ કરે તે સહી એમ માનીને જીજ્ઞા સામાન્ય જીવન જીવવાના પ્રયત્ન કરતી પણ કુદરતની ક્રુર મજાક માટે ક્યારેક ક્યારેક એકલામાં આંસુ સારી લેતી. એવામાં તેની મુલાકાત જીગર સાથે થઈ અને બસ બંને સાથે જીવવાનું નક્કી કર્યુ વાજતે ગાજતે બંને પ્રભુતામાં પગલા પાડયા. ખરી કસોટી હવે શરૂ થઈ. જીજ્ઞાનો કમરથી નીચેનો ભાગ પેરાલીસીસના સપાટામાં હતો અને તે પોતાના પગ પર ઉભી થઈ શકે એમ નહતી પણ કહે છે ને કે કુદરતની લીલા ન્યારી છે જીગર અને જીજ્ઞાના આંગણામાં ફુલ ખીલવાનું હતું પણ ડિલવરી કેમ થાય તે ડોક્ટર અને બીજા બધાય માટે એક પ્રાણ પ્રશ્ન હતો. તેમ છતાં પુરા મહિને સીઝેરીયનથી જીગર અને જીજ્ઞાનો કુળદીપક જશ દુનિયામાં પ્રકાશ ફેલાવા આવી ગયો. અને આજે જીગર અને જીજ્ઞા બંને તેમના જેવાજ સ્પેશ્યલો લોકોની સેવામાં તેમને સામાન્ય જગ્યાએ નોકરી અપાવવામાં તેમના મેરેજ કરાવવામાં તેમને બીજી કોઈ મદદ કરવામાં પોતાના જીવનનું સાફલ્ય સમજી તેનેજ જીવે છે.

મિત્રો અમદાવાદને આંગણે આ દંપત્તિ પોતાના પરિવાર સાથે કિલ્લોલ કરે છે આ સાવ સાચી ઘટના છે કાલે ફરી કોઈ જીવતી નવલીકા લઈને મળીશું.

- ગાયત્રી જોષી

No comments:

Post a Comment